04 March 2018

શ્રીયમુનાજીની સ્તુતિ શ્રીકૃષ્ણના ચરણારવિંદની Shri Yamunajini Stuti Shri Krushna na Charnarvindni

શ્રીકૃષ્ણના ચરણારવિંદની, 

રજ થકી શોભી રહ્યાં; 

સિદ્ધિ અલૌકિક આપનારાં, 

વંદું શ્રીયમુનાજીને.

સુપુષ્પની સુવાસથી, 

જંગલ બધું મહેકી રહ્યું, 

ને મંદ શીતલ પવનથી, 

જલ પણ સુગંધિત થઇ રહ્યું; 

પૂજે સુરાસુર સ્નેહથી, 

વળી સેવતાં દૈવી જીવો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો

સૂર્ય મંડળ છોડીને, 

બહુ વેગથી આવી રહ્યાં, 

ત્યાં કલિન્દના શિખર ઉપર, 

શોભા અતિ સુંદર દીસે; 

એ વેગમાં પત્થર ઘણા, 

હરખાઇને ઉછળી રહ્યાં; 

ને આપ પણ ઉલ્લાસ પૂર્વક, 

ઉછળતાં શોભી રહ્યાં, 

હરિ હેતના ઝૂલા ઉપર, 

જાણે બિરાજ્યા આપ હો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

શુક મોર સારસ હંસ આદિ, 

પક્ષીથી સેવાયેલાં, 

ગોપીજનોનાં સેવ્ય ભુવન, 

સ્વજન પાવન રાખતાં; 

તરંગ રૂપ શ્રી હસ્તમાં, 

રેતી રૂપી મોતી તણાં, 

કંકણ સરસ શોભી રહ્યાં, 

શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે; 

નિતમ્બરૂપ શ્રી તટ તણું, 

અદ્ભુત દર્શન થાય જો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

અનન્ત ગુણથી શોભતાં, 

સ્તુતિ દેવ બ્રહ્મા-શિવ કરે, 

ઘનશ્યામ જેવું મેઘ સમ છે, 

સ્વરૂપ સુંદર આપનું; 

વિશુદ્ધ મથુરાં આપનાં, 

સાનિધ્યમાં શોભી રહ્યાં, 

સહુ ગોપ ગોપી વૃન્દને, 

ઇચ્છિત ફળ આપી રહ્યાં; 

મમ કોડ સૌ પૂરા કરો, 

જ્યમ ધ્રુવ પરાશરના કર્યા, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

શ્રીકૃષ્ણનાં ચરણો થકી, 

શ્રી જાહ્નવી ઉત્પન્ન થયાં, 

સત્સંગ પામ્યાં આપનો ને, 

સિદ્ધિ દાયક થઇ રહ્યાં; 

એવું માહાભ્ય છે આપનું, 

સરખામણી કોઇ શું કરે, 

સમ કક્ષમાં આવી શકે, 

સાગર સુતા એક જ ખરે; 

એવાં પ્રભુને પ્રિય ! મારા, 

હૃદયમાં આવી વસો, 

વંદન કરું શ્રીયમુનાજીને, 

શ્રીકૃષ્ણ આશ્રય આપજો.

No comments:

Post a Comment